History of Gujarat Part - 3; ગુજરાત નો સંપૂર્ણ ઈતિહાસ પાર્ટ-: ૩

🌹 આધુનિક ગુજરાત 🌹

ગુજરાતનાં દેશી રાજ્યો : ભારતનાં કુલ 562 દેશી રાજ્યોમાંથી ગુજરાતમાં 366 દેશી રાજ્યો હતાં. જૂનાગઢ, નવાનગર, ભાવનગર, ધ્રાંગધ્રા, પોરબંદર, મોરબી, ગોંડલ, વાંકાનેર અને રાજકોટ સૌરાષ્ટ્રનાં મોટાં રાજ્યો હતાં. રાજપીપળા, દેવગઢબારિયા, લુણાવાડા, છોટા ઉદેપુર વગેરે રાજ્યોના શાસકો રાજપૂતો હતા અને વાડાસિનોર, ખંભાત, સચિન, રાધનપુર તથા પાલનપુરના શાસકો મુસ્લિમો હતા. સયાજીરાવ ગાયકવાડ ત્રીજા(ઈ.સ.1875થી 1939)ના સમયમાં વડોદરા રાજ્યે નોંધપાત્ર વિકાસ સાધ્યો હતો.

બ્રિટિશ યુગ : ઈ.સ. 1818માં પેશવાઈનો અંત આવતાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની સાર્વભૌમ સત્તા બની. કંપનીને ગુજરાતના મળેલા પ્રદેશો પાંચ જિલ્લામાં વહેંચાયેલા હતા. ઈ.સ. 1853માં સિધિયાએ પંચમહાલ જિલ્લો તથા પાવાગઢ અને ચાંપાનેરના પ્રદેશો બ્રિટિશ સરકારને સોંપ્યા. ગુજરાતમાં બ્રિટિશ સરકારની સ્થાપના થવાથી સામાન્ય લોકોના સુખમાં વધારો થયો. રાજકીય પરિવર્તનની અસર સામાજિક ઈતિહાસ પર પણ પડી. બ્રિટિશ સરકારે પણ સામાજિક સુધારાઓ કરવા માંડયા.

1857નો સંગ્રામ : ગુજરાતમાં વિપ્લવની શરૂઆત અમદાવાદમાં રહેલી લશ્કરની સાતમી ટુકડીએ જૂન, 1857માં કરી હતી. જુલાઈમાં ગોધરા, દાહોદ અને ઝાલોદમાં સરકારી કચેરીઓ કબજે કરવામાં આવી. આ સમય દરમિયાન ખેરાલુ, પાટણ, ભિલોડા, વિજાપુર વગેરે સ્થળોએ જાગીરદારોએ બળવા કર્યા. આણંદના મુખી ગરબડદાસે ખેડા જિલ્લામાં અંગ્રેજોનો સામનો કર્યો. ઓખાના વાઘેરોએ જોધા માણેકની આગેવાની હેઠળ અંગ્રેજો સામે બળવો કર્યો. તાત્યા ટોપેએ ગુજરાતમાં પ્રવેશી છોટા ઉદેપુર કબજે કર્યું. જૂન, 1858 સુધીમાં ગુજરાતની પ્રજાને સંપૂર્ણપણે નિઃશસ્ત્ર કરી દેવામાં આવી.

બ્રિટિશ તાજનો યુગ : ઈ.સ. 1858માં બ્રિટિશ તાજે ભારતનો વહીવટ સંભાળી લીધો. ગુજરાતના પાંચ જિલ્લાનો વહીવટ મુંબઈ ઇલાકાના ગવર્નર મારફતે કરવામાં આવતો હતો. બ્રિટિશ સરકારે ઈ.સ. 1860માં આવકવેરો શરૂ કરતાં સુરતના વેપારીઓએ આંદોલન ચલાવ્યું હતું. ઈ.સ. 1878માં લાયસન્સ ટેક્સના વિરોધમાં પણ સુરતમાં આંદોલન થયું હતું.

ગુજરાતમાં સ્વાતંત્ર્યસંગ્રામ : ઈ. સ. 1871 માં સુરત તથા ભરૂચમાં અને ઈ.સ. 1872માં અમદાવાદમાં 'પ્રજાસમાજ' નામની રાજકીય સંસ્થા સ્થપાઈ. ઈ.સ. 1884માં અમદાવાદમાં 'ગુજરાત સભા'ની સ્થાપના થઈ. ઈ.સ. 1885માં મુંબઈમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું પ્રથમ અધિવેશન ગોકળદાસ તેજપાલ પાઠશાળા નામની ગુજરાતી સંસ્થાના મકાનમાં મળ્યું હતું. ત્યારપછી કૉંગ્રેસના અધિવેશનો ઈ.સ. 1902માં અમદાવાદમાં અને ઈ.સ. 1907માં સુરતમાં થયાં હતાં.

ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની પ્રેરણા અરવિંદ ઘોષ પાસેથી મળી હતી. 13 નવેમ્બર, 1909ના રોજ અમદાવાદમાં રાયપુર દરવાજા પાસે વાઈસરૉય લૉર્ડ મિન્ટો પર બૉમ્બ નાખવામાં આવ્યો હતો. ઈ.સ. 1916માં મગનભાઈ ચતુરભાઈ પટેલે અમદાવાદમાં હોમરૂલ લીગની શાખા સ્થાપી હતી. માર્ચ, 1918માં એની બેસન્ટે ભાવનગર, અમદાવાદ અને ભરૂચમાં સભાઓ યોજી હતી.

ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી આવી, 25 મે, 1915ના રોજ અમદાવાદના કોચરબ ગામમાં 'સત્યાગ્રહ આશ્રમ'ની સ્થાપના કરી. ગાંધીજીએ વિરમગામની જકાતબારીની પ્રજાની હાડમારી રજૂ કરતાં સરકારે એ જકાત રદ કરી હતી. અમદાવાદના મિલમજૂરોએ 5 35 ટકા પગારવધારાની માંગણી કરતાં ગાંધીજીએ તેમને હડતાળ પાડવાની સલાહ આપી. હડતાળ સફળ થઈ અને મિલમજૂરોને 35 ટકાનો પગારવધારો મળ્યો હતો. ઈ.સ. 1917માં ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે પાક નિષ્ફળ જવા છતાં અધિકારીઓએ ખેડૂતોનું મહેસૂલ માફ ન કર્યું. ગાંધીજીની નેતાગીરી હેઠળ ખેડાના ખેડૂતોએ - સત્યાગ્રહ શરૂ કર્યો. ઈ.સ. 1918માં ગાંધીજીને સફળતા મળી.


ઈ.સ. 1919માં પસાર થયેલા 'રૉલેટ ઍક્ટ' વિરુદ્ધ ગુજરાતમાં 6, એપ્રિલના રોજ અમદાવાદ અને નડિયાદમાં હડતાળ પડી. અમદાવાદમાં લશ્કર બોલાવવા છતાં આગના બનાવો ચાલુ રહ્યા. 13, એપ્રિલે આણંદમાં હડતાળ પડી. હિંસાના પ્રાયશ્ચિત્તરૂપે ગાંધીજીએ અમદાવાદમાં ત્રણ દિવસના ઉપવાસ કરી શાંતિ સ્થાપી. 

અસહકારના આંદોલનના રચનાત્મક પાસામાં 18 ઑક્ટોબર, 1920ના રોજ અમદાવાદમાં 'ગૂજરાત વિદ્યાપીઠ'ની સ્થાપના કરવામાં આવી. સરકારી કેળવણીનો બહિષ્કાર કરી અમદાવાદ, સુરત અને વડોદરાની કૉલેજોના અધ્યાપકોએ રાજીનામાં આપ્યાં. વિદ્યાર્થીઓએ હાઈસ્કૂલો છોડી. વકીલોએ વકીલાતનો ત્યાગ કર્યો. વિદેશી કાપડની દુકાનો પર બહેનોએ પિકેટિંગ કર્યું અને વિદેશી કાપડની હોળી કરવામાં આવી. ટિળક સ્વરાજ ફાળામાં ગુજરાતે ₹15 લાખનો ફાળો આપ્યો. ચૌરીચૌરામાં થયેલી હિંસાના કારણે આ ચળવળ બંધ કરવામાં આવી.

બોરસદ તાલુકામાં નાખવામાં આવેલા પોલીસ ખર્ચના વધારાના કરનો પ્રજાએ વિરોધ કર્યો. આ સત્યાગ્રહમાં દરબાર ગોપાળદાસના પ્રમુખપદે રચાયેલી 'સંગ્રામ સમિતિ'નો વિજય થયો.

ઈ.સ. 1928માં સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં જમીન મહેસૂલમાં 22 ટકાનો વધારો કરવામાં આવ્યો. લોકોએ આ વધારાનો વિરોધ કર્યો. ગાંધીજીએ વલ્લભભાઈ પટેલને આ સત્યાગ્રહની જવાબદારી સોંપી. સરકારે દમનનીતિ શરૂ કરી. બારડોલી સત્યાગ્રહની સહાનુભૂતિમાં સમગ્ર ભારતે 'બારડોલી દિન' ઊજવ્યો. આ લડતમાં સત્યાગ્રહીઓનો વિજય થયો અને વલ્લભભાઈ પટેલ 'સરદાર' કહેવાયા.


12 ઑક્ટોબર, 1928ના રોજ અમદાવાદની ગુજરાત કૉલેજના કેટલાક વિદ્યાર્થીઓએ સાઈમન કમિશનના વિરોધમાં હડતાળ પાડી સત્રાંત પરીક્ષા ન આપી. કૉલેજના આચાર્ય શિરાઝે તેમની સામે વૈરવૃત્તિ રાખી. તેથી વિદ્યાર્થીઓએ 39 દિવસની હડતાળ પાડી. 30 જાન્યુઆરી, 1929ના રોજ દેશભરની કૉલેજોએ હડતાળ પાડી 'અખિલ ભારત ગુજરાત કૉલેજ દિન' ઊજવ્યો અને શિરાઝના પગલાને ધિક્કાર્યું. 

12 માર્ચ, 1930ના રોજ ગાંધીજીએ પોતાના 78 સાથીઓ સાથે અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડીકૂચ શરૂ કરી. 6, એપ્રિલે દાંડી મુકામે પહોંચી, ચપટી મીઠું ઉપાડયું. આ રીતે ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કર્યો.

સુરત જિલ્લાના ધરાસણામાં સત્યાગ્રહીઓ પર નિર્દયતાથી લાઠીમાર કરવામાં આવ્યો. બારડોલી અને બોરસદ તાલુકામાં નાકરની લડત ચાલી. ધોલેરા અને વીરમગામ પણ મીઠાના કાયદાભંગનાં કેન્દ્રો બન્યાં.

ગુજરાતમાં સરદાર પટેલ, મોરારજી દેસાઈ, ડૉ ચંદુલાલ દેસાઈ અને કનૈયાલાલ દેસાઈની, તેઓ વ્યક્તિગત સત્યાગ્રહ કરે તે પહેલાં જ, ધરપકડ કરવામાં આવી. 3 માર્ચ, 1941 સુધીમાં ગુજરાતમાંથી 296 સત્યાગ્રહીઓની ધરપકડ થઈ. આ લડત દરમિયાન નેતાઓની ધરપકડના વિરોધમાં લોકોએ હડતાળો પાડી.

8 ઑગસ્ટ, 1942ના રોજ મુંબઈમાં મળેલી મહાસમિતિની બેઠકમાં ‘હિંદ છોડો'નો ઠરાવ પસાર કરવામાં આવ્યો. 9 ઑગસ્ટની વહેલી સવારે અમદાવાદમાંથી ગણેશ માવળંકર અને ભોગીલાલ લાલા, સુરતમાંથી ચંપકલાલ ધીયા અને છોટુભાઈ મારફતિયા, વડોદરામાંથી છોટુભાઈ સુતરિયા અને પ્રાણલાલ મુનશી, સૌરાષ્ટ્રમાંથી માણેકલાલ ગાંધી, દિનકરરાય દેસાઈ, બળવંતરાય મહેતા અને ઉચ્છંગરાય ઢેબર જેવા કૉંગ્રેસી નેતાઓની ધરપકડ કરવામાં આવી. 9 ઑગસ્ટથી અમદાવાદની મિલો, બજારો, શાળાઓ તથા કૉલેજોમાં 105 દિવસની હડતાળ પડી. 9મીએ અમદાવાદના ખાડિયામાં થયેલા ગોળીબારમાં ઉમાકાંત કડિયા શહીદ થયા. લૉ કૉલેજથી નીકળેલું વિદ્યાર્થીઓનું સરઘસ ગુજરાત કૉલેજમાં પ્રવેશતાં થયેલા ગોળીબારથી વિનોદ કિનારીવાલા શહીદ થયા. 18 ઑગસ્ટની સાંજે અડાસ સ્ટેશન પાસે વડોદરાના પાંચ યુવાનો પોલીસ ગોળીબારથી શહીદ થયા.

*🪀Join WhatsApp Group🪀*

ગુજરાતમાં અનેક સ્થળેથી પ્રગટ થતી ગુપ્ત પત્રિકાઓમાં ચળવળના સમાચાર તથા કાર્યક્રમો આપવામાં આવતા હતા. અમદાવાદમાંથી બી. કે. મજમુદાર, જયંતી ઠાકોર, કાંતિલાલ ધીયા, ભરૂચ જિલ્લામાંથી છોટુભાઈ પુરાણી, સૌરાષ્ટ્રમાંથી રતુભાઈ અદાણી ભાંગફોડની પ્રવૃત્તિઓનું સંચાલન કરતા હતા. કિશોરલાલ મશરૂવાળાએ 23 ઑગસ્ટના ‘હરિજન' અંકમાં ભાંગફોડની પરવાનગી આપતું લખાણ પ્રગટ કર્યું. તે મુજબ ગુજરાતમાં અનેક સ્થળોએ તાર-ટેલિફોનનાં દોરડાં કાપવામાં આવ્યાં, પોલીસ પાર્ટી, પોલીસવાન, પોલીસ ચોકીઓ, પોસ્ટ-ઑફિસો અને હડતાળ ન પાડતી દુકાનો પર પથ્થરમારો કરવામાં આવ્યો. પોળોમાં ઘૂસીને મારતા પોલીસો પર ઍસિડ ભરેલા બલ્બ નાખી, તેમને પોળોમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા.

અમદાવાદમાં વિવિધ જૂથોએ બૉમ્બ બનાવી પોલીસ ચોકીઓ, પોસ્ટ-ઑફિસો તથા સરકારી કચેરીઓ પર નાખ્યા અને અરાજકતા ફેલાવી. આ રીતે ‘હિંદ છોડો' ચળવળ દરમિયાન ગુજરાતમાં વ્યાપક પ્રમાણમાં ભાંગફોડની પ્રવૃત્તિઓ થઈ.

દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થતાં 15 ઑગસ્ટ, 1947ના રોજ ભારત સ્વતંત્ર થયું. 1 નવેમ્બર, 1956ના રોજ મુંબઈ રાજ્યની રચના થતાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનું એકીકરણ થયું.

ગુજરાતનું અલગ રાજ્ય : મહાગુજરાતની અલગ રચના કરવા માટે ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળ લડત શરૂ થઈ. 8 ઑગસ્ટ, 1956ના રોજ અમદાવાદમાં કોંગ્રેસ હાઉસ સામે દેખાવકારો પર ગોળીબાર થતાં ચાર યુવાનો શહીદ થયા. નડિયાદ, આણંદ, વડોદરા વગેરે શહેરોમાં હડતાળો પડી. થોડા દિવસોમાં આ ચળવળ સમગ્ર ગુજરાતમાં ફેલાઈ. સપ્ટેમ્બર, 1956માં ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળ ‘મહાગુજરાત જનતા પરિષદ'ની રચના કરવામાં આવી. હિંસક બનાવોના વિરોધમાં મોરારજી દેસાઈએ ઉપવાસ કર્યા.

 અમદાવાદમાં વડા પ્રધાન જવાહરલાલ નેહરુની સભા સામે ઇન્દુલાલ યાજ્ઞિકની સમાંતર - સભામાં લાખોની માનવમેદની ઊમટી પડી. છેવટે માર્ચ, 1960માં કેન્દ્ર સરકારે દ્વિભાષી મુંબઈ રાજ્યના વિભાજનનો ખરડો પસાર કર્યો અને 1 મે, 1960થી સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના ગુજરાતના અલગ રાજ્યની રચના કરવામાં આવી. અમદાવાદ તેનું પાટનગર બન્યું. ઈ. સ. 1971માં શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં ગાંધીનગરને નવા પાટનગર તરીકે વિકસાવવામાં આવ્યું.

Post a Comment

0 Comments

Featured post

Diwali Rangoli 2024: रंगोली से जुड़ी खास बातें; दिवाली पर रंगोली बनाने की परंपरा, घर की नकारात्मक ऊर्जा से छुटकारा मिलेगा