🌹 પ્રાચીન ગુજરાત 🌹
પ્રાગૈતિહાસિક યુગ : પુરાતત્ત્વવિદોનાં સંશોધન પરથી અનુમાન કરી શકાય કે ભારતના કેટલાક પ્રદેશોની માફક ગુજરાતના કેટલાક પ્રદેશોનું માનવજીવન પણ પ્રાચીન પાષાણ યુગ, મધ્ય પાષાણ યુગ અને નૂતન પાષાણ યુગમાંથી પસાર થયું હશે. સાબરમતી, મહી, રેવા (નર્મદા), મેશ્વો, માઝમ, વિશ્વામિત્રી, સરસ્વતી, બનાસ, ભોગાવો, ભાદર વગેરે નદીઓના પ્રદેશો તથા કોતરોમાંથી પ્રાગૈતિહાસિક કાળનાં સ્થળો અને અવશેષો પ્રાપ્ત થયાં છે. ધાતુ યુગમાં ગુજરાતના પ્રદેશોમાં ખેતી સાથે ઉદ્યોગોનો અને ગામડાંની સાથે શહેરોનો વિકાસ થયો હતો. સોમનાથ પાટણ, લોથલ, ભૃગુકચ્છ, સ્તંભતીર્થ, સોપારા વગેરે બંદરો મારફતે પરરાજ્યો સાથેનો વેપાર ચાલતો હતો. રંગપુર (જિ. સુરેન્દ્રનગર), લોથલ (જિ. અમદાવાદ), કોટ અને પેઢામલી (જિ. મહેસાણા), લાખાબાવળ અને આમરા (જિ. જામનગર), રોજડી (જિ. રાજકોટ), ધોળાવીરા (જિ. કચ્છ), સોમનાથ પાટણ (જિ. ગીરસોમનાથ), ભરૂચ તથા સુરત જિલ્લાઓમાંથી મળેલા હડપ્પા અને મોહેં-જો-દડોની સંસ્કૃતિના અવશેષો આ હકીકતની સાક્ષી પૂરે છે.
મહાભારત યુગ : કાળક્રમ પ્રમાણે નૂતન પાષાણ યુગ તથા સંસ્કૃતિ યુગ પછી વૈદિક યુગ આવે; પરંતુ વૈદિક સાહિત્યમાં ગુજરાત પ્રદેશનો કોઈ ઉલ્લેખ મળતો નથી, મહાભારત કાળમાં જુદાં જુદાં અનેક રાજ્યો હોવાનો પૌરાણિક સાહિત્યમાં ઉલ્લેખ છે. શર્યાતિના પુત્ર આનર્તે સૌરાષ્ટ્ર તથા ગુજરાતના ઉત્તરના ભાગો પર રાજ્ય સ્થાપ્યું અને તે પ્રદેશ 'આનર્ત' કહેવાયો.
જરાસંધ અને શિશુપાલના ત્રાસથી કંટાળીને શ્રીકૃષ્ણની આગેવાની હેઠળ યાદવો સૌરાષ્ટ્રમાં સ્થળાંતર કરી ગયા. આનર્તનો પુત્ર રૈવત યાદવો સામે પરાજિત થયો. શ્રીકૃષ્ણે કુશસ્થળી પાસે નવું નગર દ્વારાવતી (હાલનું બેટ દ્વારકા) વસાવીને ત્યાં પોતાની રાજધાની સ્થાપી. ઈ. સ. પૂર્વે 14મી સદીમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં યાદવસત્તા અગ્રસ્થાને હતી. યાદવોના અસ્ત બાદ સૌરાષ્ટ્ર તથા ગુજરાતમાં કયાં રાજકુળોની સત્તા સ્થપાઈ તે સંબંધે કોઈ પુરાવાઓ પ્રાપ્ત થયા નથી.
મૌર્ય યુગ : ગુજરાતનો પ્રમાણિત ઈતિહાસ ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી શરૂ થાય છે. ઈ. સ. પૂર્વે 319માં ગુજરાત અને સૌરાષ્ટ્રના પ્રદેશો મગધના રાજા ચંદ્રગુપ્તના આધિપત્ય નીચે આવ્યા હતા. ચંદ્રગુપ્તના સૌરાષ્ટ્રના સૂબા પુષ્યગુપ્તે ગિરિનગર (જૂનાગઢ) અને
તેની આસપાસના પ્રદેશમાં ખેતીને ઉત્તેજન આપવા 'સુદર્શન' નામે જળાશય બંધાવ્યું હતું, એવો ઉલ્લેખ અશોકના ગિરનાર પર્વત પાસેના શિલાલેખમાં છે. મૌર્ય યુગમાં ચંદ્રગુપ્ત મૌર્ય અને તેનો પૌત્ર સમ્રાટ અશોક તથા તેનો પૌત્ર સંપ્રતિનું શાસન ગુજરાતમાં હતું, એવું જૈન અનુશ્રુતિ પરથી માલૂમ પડે છે.
અનુ-મૌર્ય યુગ : મૌર્ય શાસનના પતન બાદ ગુજરાતમાં કોઈ પ્રબળ શાસન ન હતું. ઈસુના જન્મ પછી ચાર સદી સુધી ક્ષત્રપોનું આધિપત્ય રહ્યું. ગિરનાર પાસેના શિલાલેખોના વિવરણ પ્રમાણે ક્ષત્રપોમાં રુદ્રદામા શ્રેષ્ઠ રાજવી હતો. છેલ્લા ક્ષત્રપ રાજા રુદ્રસિંહ ત્રીજાને ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ પરાજય આપી સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી ક્ષત્રપ સત્તાનો અંત આણ્યો.
ગુપ્ત યુગ : ઈ. સ. 400ની આસપાસ ચંદ્રગુપ્ત બીજાએ સૌરાષ્ટ્ર, ગુજરાત તથા માળવા જીત્યા હોવાનું તેમના સિક્કાઓ તથા લેખો પરથી સિદ્ધ થાય છે. આ પ્રદેશોમાંથી ચંદ્રગુપ્ત બીજા, કુમારગુપ્ત તથા સ્કંદગુપ્તના સોનાના તથા ચાંદીના સિક્કાઓ મળ્યા છે. ઈ. સ. 455માં સ્કંદગુપ્તના સૂબાએ અતિવૃષ્ટિના કારણે તૂટી ગયેલું સુદર્શન તળાવ ફરી બંધાવ્યું હતું. ગુપ્ત યુગ દરમિયાન વૈષ્ણવ ધર્મનો પ્રચાર થયો હતો.
મૈત્રક યુગ : ગુપ્ત સામ્રાજ્યની પડતી થતાં ગુપ્ત રાજાના સુબા મૈત્રક વંશના ભટ્ટાર્કે ઈ. સ. 470માં વલભીપુરમાં ગુજરાતની સ્વતંત્ર સત્તા સ્થાપી હતી. આ વંશનો કુળધર્મ શૈવ હતો. મૈત્રક વંશનો બીજો પ્રતાપી રાજા ગુહસેન (ઈ.સ.553થી 569) હતો. તેનાં દાનપત્રોની પ્રશસ્તિ પરથી જણાય છે કે ગુહસેન પ્રજાપ્રિય શાસક હતો. આ વંશનો શીલાદિત્ય પહેલો (ઈ.સ.590થી 615) 'ધર્માદિત્ય' તરીકે ઓળખાયો. ધ્રુવસેન બીજા(ઈ. સ. 627થી 643)ના સમયમાં ચીની યાત્રાળુ યુએન સંગે ઈ. સ. 640માં ગુજરાતની મુલાકાત લીધી હતી. ધ્રુવસેન બીજાના પુત્ર ધરસેન ચોથા(ઈ.સ. 643થી 650)એ 'મહારાજાધિરાજ' અને 'ચક્રવતી'નાં બિરુદ ધારણ કર્યા હતાં. મૈત્રકોની સત્તા સમસ્ત સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર અને મધ્ય ગુજરાત પર પ્રવર્તતી હતી. વલભીપુરમાં અનેક બૌદ્ધ વિહારો હતા. 'વલભી વિદ્યાપીઠ'ની ગણના નાલંદા વિદ્યાપીઠની હરોળમાં થતી હતી. ઈ.સ. 788માં આરબ આક્રમણોએ મૈત્રક શાસનનો અંત આણ્યો. ઈ.સ. 788થી 942 સુધી ગુજરાતમાં કોઈ સર્વોપરી સત્તાનું શાસન પ્રવર્તતું ન હતું.
મૈત્રકોનાં સમકાલીન રાજ્યો : સૌરાષ્ટ્રમાં ગારુલક વંશ (પાટનગરઃ ઢાંક) અને સૈન્ધવ વંશ(પાટનગર : ધૂમલી)ના રાજવીઓનું શાસન હતું. દક્ષિણ ગુજરાતમાં ત્રૈકૂટકો (અપરાન્ત પ્રદેશ), કટચ્યૂરીઓ (ભૃગુકચ્છ), ગુર્જર નૃપતિઓ (નાન્દીપુર), ચાહમાનો (અંકલેશ્વર), સેન્દ્રકો (તાપી તટ) અને ચાલુક્યો(નવસારી)નું શાસન હતું.
અનુ-મૈત્રક યુગ : ઈ.સ. 746થી 942 સુધી ઉત્તર ગુજરાતના પ્રદેશોમાં ચાવડા વંશનું શાસન હતું. તેમની રાજધાની પંચાસર(રાધનપુર પાસેનું એક ગામ)માં હતી. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો પર લગભગ 200 વર્ષ સુધી ગુર્જરપ્રતિહારોનું શાસન હતું. ભિલ્લમાલ (આબુની વાયવ્યમાં આવેલું હાલનું ભીનમાલ) તેમની રાજધાની હતી. આ જ સમયમાં દક્ષિણ ભારત અને દક્ષિણ ગુજરાતમાં વડોદરાથી વલસાડ સુધી રાષ્ટ્રકૂટનું (ઈ.સ. 750થી 972) સામ્રાજ્ય હતું. તેમની રાજધાની માન્યખેટ(નાશિક)માં હતી. આ સમયગાળામાં જ ઈરાનના જરથોસ્તીઓ પોતાના ધર્મને બચાવવા માટે વતન ત્યજી સંજાણમાં આવીને વસ્યા હતા; તેઓ 'પારસીઓ' તરીકે જાણીતા થયા.
સોલંકી યુગ : સોલંકી યુગ ગુજરાતનો સુવર્ણ યુગ ગણાય છે. ચૌલુક્ય (સોલંકી) કુળના મૂળરાજે ઈ.સ.942માં અણહિલપુર પાટણના ચાવડા વંશની સત્તાનું ઉન્મૂલન કરી પોતાની રાજસત્તા સ્થાપી. મૂળરાજ સોલંકી (ઈ.સ.942થી 997) કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત તથા ખેડા સુધીના પ્રદેશનો સાર્વભૌમ શાસક બન્યો હતો. મૂળરાજે સિદ્ધપુરમાં રુદ્રમહાલય બંધાવ્યો હતો. ભીમદેવ પહેલા- (ઈ.સ. 1022થી 1064)ના સમયમાં સુલતાન મહમૂદ ગઝનવીએ ઈ.સ. 1026ની 7મી જાન્યુઆરીએ સોમનાથ મંદિર લૂંટ્યું હતું. ત્યાં ભીમદેવે ઈ. સ. 1027માં પથ્થરનું નવું મંદિર બંધાવ્યું. મોઢેરાનું વિખ્યાત સૂર્યમંદિર પણ ભીમદેવના શાસનકાળ દરમિયાન બંધાયું હતું. ભીમદેવે વિમલમંત્રીને આબુનો દંડનાયક નીમ્યો હતો. તેણે ત્યાં આદિનાથનું આરસનું મંદિર બંધાવ્યું હતું. કર્ણદેવે (ઈ.સ. 1064થી 1094) નવસારી પ્રદેશ પર પોતાની આણ વરતાવી હતી. તેણે આશાપલ્લી જીતી કર્ણાવતીનગર વસાવ્યું હતું. સિદ્ધરાજ જયસિંહ (ઈ.સ. 1094થી 1143) સોલંકી વંશનો સૌથી વધુ પરાક્રમી, હિંમતવાન અને મુત્સદ્દી રાજા હતો. સિદ્ધરાજે જૂનાગઢના રાજા રા'ખેંગારને હરાવ્યો હતો અને માળવાના રાજા યશોવર્માને હરાવી 'અવંતિનાથ'નું બિરુદ ધારણ કર્યું હતું. તેનું સામ્રાજ્ય સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ દક્ષિણમાં ખંભાત, ભરૂચ અને લાટનો પ્રદેશ તથા રાજસ્થાનના કેટલાક ભાગો સુધી વિસ્તરેલું હતું. સિદ્ધરાજે પાટણમાં સહસ્રલિંગ તળાવ બંધાવ્યું હતું અને સિદ્ધપુરના રુદ્રમહાલયનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. તેણે હેમચંદ્રાચાર્યને 'સિદ્ધહેમ શબ્દાનુશાસન' નામનો વ્યાકરણનો ગ્રંથ લખવાની પ્રેરણા આપી હતી.
ગુજરાતની અસ્મિતાની વૃદ્ધિ કરનાર કુમારપાળ (ઈ.સ. 1143થી 1173) લોકપ્રિય અને આદર્શ રાજા હતો. તેણે અજમેરના રાજા અર્ણોરાજ અને કોંકણના રાજા મલ્લિકાર્જુનને પરાજય આપ્યો હતો. કુમારપાળ જૈન ધર્મ પ્રત્યે પ્રીતિ રાખતો હતો.
ભીમદેવ બીજાએ (ઈ.સ.1178થી 1242) લગભગ 63 વર્ષ રાજ્ય કર્યું. તે નિર્બળ રાજા હતો. તેના સમયમાં સોલંકી વંશનો અંત અને વાઘેલા વંશની શરૂઆત થઈ. ધોળકાના રાણા વીરધવલ અને મહામાત્ય વસ્તુપાલ તથા તેજપાલે સોલંકી રાજ્યના રક્ષણમાં
મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. ઈ.સ. 1244માં ત્રિભુવનપાળનું અવસાન થતાં સોલંકી વંશની સત્તા અસ્ત પામી.
વાઘેલા-સોલંકી યુગઃ ઈ. સ. 1244માં ધોળકાના મહામંડલેશ્વર વિસલદેવે (ઈ.સ. 1244થી 1262) પાટણની ગાદી મેળવી. તેણે મેવાડ અને કર્ણાટકના રાજાઓ સાથે યુદ્ધો કર્યા હતાં. આ વંશનો કર્ણદેવ (ઈ.સ. 1296થી 1304) ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા હતો. કર્ણદેવનો મહામાત્ય માધવ મુસલમાનોને ગુજરાત પર ચઢાઈ કરવા બોલાવી લાવ્યો હતો. અલાઉદ્દીન ખલજીના હુકમથી ઉલુઘખાન અને નસરતખાને ગુજરાત પર ચડાઈ કરી અને અણહિલપુર મુસ્લિમ શાસકોના હાથમાં આવ્યું.
0 Comments