🌹 મધ્યકાલીન ગુજરાત 🌹
દિલ્લી સલ્તનત યુગ: અલાઉદ્દીનનો બનેવી અલપખાન (ઈ.સ. 1306થી 1315) ગુજરાતનો ગવર્નર બન્યો. અલાઉદ્દીને જીવનજરૂરિયાતની વસ્તુઓનું ભાવનિયમન કર્યું હતું.
તઘલક યુગ : ઈ.સ. 1320માં તઘલક યુગની શરૂઆત થઈ. તઘલક વંશનો મહંમદ તઘલક તરંગી અને વિદ્વાન હતો. તેનો મોટા ભાગનો સમય ભરૂચ, તઘી વગેરે અમીરોના બળવાઓને શમાવવામાં ગયો હતો. તેણે જૂનાગઢ અને ઘોઘાના રાજાઓને હરાવ્યા હતા.
ઈ.સ. 1398માં તૈમૂરે દિલ્લી પર ચડાઈ કરતાં તાતારખાને (મહંમદશાહ પહેલાએ) ગુજરાતમાં આશ્રય લીધો.
ગુજરાત સલ્તનત યુગ : ઑક્ટોબર, 1407માં ઝફરખાને, મુઝફ્ફરશાહ પહેલાનો ઇલકાબ ધારણ કરી બીરપુર મુકામે ગુજરાતના સ્વતંત્ર મુસ્લિમ રાજ્યની સ્થાપના કરી.
10મી જાન્યુઆરી, 1411માં એહમદખાન ‘નસીરૂદ્દીન એહમદશાહ'નો ખિતાબ ધારણ કરી રાજગાદીએ આવ્યો. તે ગુજરાતની સલ્તનતનો ખરો સ્થાપક ગણાય છે. તેણે 26 ફેબ્રુઆરી, 1411ના રોજ કર્ણાવતીનગર પાસે અમદાવાદ શહેરની સ્થાપના કરી અને પોતાની રાજધાની પાટણથી અમદાવાદ ખસેડી. તેણે વડોદરા અને મોડાસામાં થયેલા બળવાઓનું શમન કર્યું તથા ઈડરના રાવ અને માળવાના સુલતાનો સાથે અવારનવાર યુદ્ધો કર્યાં. તેણે ઝાલાવાડ, ચાંપાનેર, નાંદોદ અને જૂનાગઢના રાજાઓને તથા બહ્મની સુલતાન અહમદશાહને હરાવ્યા. તેણે હાથમતી નદીના કિનારે અહમદનગર (હિંમતનગર) વસાવ્યું હતું. - તેના સમયમાં અમદાવાદમાં જુમા મસ્જિદ, ભદ્રનો કિલ્લો અને ત્રણ - દરવાજાનું બાંધકામ થયું હતું. કુતુબુદ્દીન એહમદશાહે (ઈ.સ. 1451 થી 1458) ‘હોજે કુતુબ' (કાંકરિયા તળાવ) અને નગીનાવાડી બંધાવ્યાં હતાં.
ગુજરાતના ઇતિહાસમાં મેહમૂદ બેગડાને નામે પ્રખ્યાત નસીરૂદ્દીન મેહમૂદશાહ (ઈ.સ. 1458થી 1513) મુસ્લિમ શાસકોમાં સર્વશ્રેષ્ઠ રાજ્યકર્તા હતો. તેણે જૂનાગઢ અને પાવાગઢ જીત્યાં હતાં અને ચાંપાનેર, સિંધ, માળવા તથા ઈડરના રાજાઓને હાર આપી હતી. મેહમૂદ બેગડાએ ચેવલ બંદર પાસે ફિરંગીઓને અને દ્વારકા પાસે ચાંચિયાઓને હરાવ્યા હતા. તેણે સરખેજ, રસુલાબાદ, વટવા, અમદાવાદ, ચાંપાનેર અને ધોળકામાં મસ્જિદ, રોજા, ઈમારતો વગેરે બંધાવ્યાં હતાં. તેના સમયમાં અમદાવાદમાં દાદા હરિની વાવ અને અડાલજની વાવનાં સ્થાપત્યો થયાં હતાં.
મુઝફ્ફરશાહ બીજો (ઈ.સ. 1513થી 1526) વિદ્વાન, સંયમી અને પવિત્ર સુલતાન હતો. તેણે ઈડર, ચિત્તોડ અને માળવાના રાજાઓને યુદ્ધમાં હરાવ્યા હતાં. તેણે હુમાયુ સામેની લડતમાં નજીવી મદદ કરનાર પોર્ટુગીઝોને દીવમાં વેપાર કરવાની પરવાનગી આપીને ગંભીર ભૂલ કરી હતી. છેલ્લા સુલતાન મુઝફ્ફરશાહ ત્રીજા(ઈ.સ. 1561થી 1572)ના વજીર ઇતિમાદખાને અકબરને ગુજરાત જીતવા આમંત્રણ આપ્યું અને ગુજરાત સલ્તનતનો અંત આવ્યો.
મુઘલ યુગ : અકબરે ઈ.સ. 1572-73માં ગુજરાતમાં વિજયો મેળવી મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી અને મુઘલ શાહજાદાઓને ગુજરાતના સૂબા તરીકે મોકલ્યા. અકબરના સમયમાં રાજા ટોડરમલે જમીનની જાત પ્રમાણે મહેસૂલ રોકડમાં લેવાની પદ્ધતિ દાખલ કરી હતી.
જહાંગીરે સત્તા પર આવતાં ખંભાતની મુલાકાત લીધી હતી. તેણે અંગ્રેજ પ્રતિનિધિ સર ટોમસ રોને વેપાર કરવાની પરવાનગી આપતાં અંગ્રેજોએ ઈ.સ.1613માં સુરતમાં પોતાનું પ્રથમ વેપારી મથક સ્થાપ્યું હતું. આ પછી અંગ્રેજોએ ભરૂચ, અમદાવાદ, ઘોઘા, ખંભાત વગેરે સ્થળોએ વેપારી મથકો સ્થાપ્યાં. અંગ્રેજો વેપાર વધારતા ગયા અને લશ્કરથી સુસજ્જ થતા ગયા.
જહાંગીરે અમદાવાદની ટંકશાળમાં રાશિવાળા સિક્કા પડાવ્યા હતા. શાહજહાંના સમયમાં અમદાવાદમાં શાહીબાગ બન્યો હતો.
ઔરંગઝેબના સમયમાં એકસરખી જકાત દાખલ કરવામાં આવી હતી અને કારીગરો માટે સમાન વેતન ઠરાવ્યું હતું. તે સુન્ની અને અસહિષ્ણુ મુસલમાન હતો. તેણે હોળી અને દિવાળીના ધાર્મિક ઉત્સવો ઊજવવા પર પ્રતિબંધ મૂક્યો હતો. તેના સમયમાં સુરત 'મક્કાનું પ્રવેશદ્વાર' ગણાતું. અહીં અંગ્રેજ, ડચ અને ફ્રેંચ વેપારીઓની કોઠીઓ હતી. અમદાવાદ સુતરાઉ, રેશમી અને ગરમ કાપડના ઉત્પાદન માટે જાણીતું હતું. ખંભાતથી કાપડ, ગળી, જરીવાળું કાપડ વગેરેની નિકાસ થતી હતી. ઈ. સ. 1664 અને 1670માં શિવાજીએ સુરત લૂંટ્યું હતું.
ઈ.સ. 1707માં ઔરંગઝેબનું મૃત્યુ થતાં મુઘલ સત્તા નબળી પડી. ત્યારપછી મુઘલો ગાયકવાડ અને પેશ્વાના હુમલાઓ ખાળી ન શક્યા. મુઘલ અને મરાઠાઓ વચ્ચેના સંઘર્ષમાં પ્રજાના જાનમાલની સલામતી ન રહી. મુઘલ બાદશાહની નબળાઈનો લાભ લઈ જૂનાગઢ, રાધનપુર અને ખંભાતના શાસકો સ્વતંત્ર બન્યા. સુરત અને ખંભાતનાં બંદરોની જાહોજલાલી અસ્ત પામી. દામાજીરાવ ગાયકવાડના પુત્રો વચ્ચેના કલહનો લાભ લઈ અંગ્રેજોએ સુરત અને ભરૂચમાં પોતાની સત્તા દઢ કરી.
👇👇👇👇
0 Comments