રાષ્ટ્રના સીમાડા ઓળંગીને ગજાનનનો ગજ વાગતો હોય ત્યારે, એ જાણવું જોઈએ કે ભારત સિવાયની સંસ્કૃતિ કેમ ગણેશજીને પોતાના બનાવી બેસી છે?
આ દેશ-દુનિયામાં ઉત્સાહભેર ઊજવાશે. 132 વર્ષ ગણેશોત્સવ છેક 10 દિવસ સુધી પહેલાં પૂનામાં ઘેર ઘેર પૂજાતા ગણેશજીને શેરી-મહોલ્લામાં લાવીને લોકમાન્ય તિલકે સાર્વજનિક ઉત્સવ બનાવ્યો. ત્યારે આ ઉત્સવ ધાર્મિક અને સાંસ્કૃતિક ગણાતો. પણ એની પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય હતો બ્રિટિશ ગુલામી સામેના સંઘર્ષ માટે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો. પછીનાં વર્ષોમાં ગણેશજી રાષ્ટ્રીય એકતાના પ્રતીક બન્યા અને એ પછી દેશની સરહદો ઓળંગીને પારકી ધરતી પર પણ પ્રકાશ્યા. અહીં એ સવાલ તો થાય જ કે ગણેશજીની પૂજા આખા ભારતમાં થાય એ તો સમજી શકાય, પણ વિશ્વની સંસ્કૃતિઓએ કેમ ગણેશજીને અપનાવ્યા ? એની પાછળનાં ખાસ કારણ કયાં છે?
બૌદ્ધ અને જૈન ધર્મમાં વિનાયક
તિબેટ, નેપાળ, જાપાનમાં, ગણપતિ દેવતા તરીકે પૂજાય છે. તિબેટીયન બૌદ્ધ ધર્મમાં, ગણેશજી વિનાયકથી ઓળખાય છે. અહીં તેમને વિઘ્નો દૂર કરનાર દેવતા તરીકે માન્યતા મળેલી છે. બૌદ્ધ ધર્મની જેમ જૈન ધર્મમાં પણ ગણેશજીની મૂર્તિઓના, તેમની પૂજા-પાઠ કરવાના ઘણા પુરાવા છે. ઘણી જગ્યાએ જૈન તીર્થંકરો સાથે ગણેશજીનું ચિત્રણ જોવા મળે છે. તેમને સમૃદ્ધિ અને સફળતાના દેવ તરીકે જૈનો પૂજે છે.
ઈન્ડોનેશિયાની ચલણી નોટમાં ગણેશજી
ઇન્ડોનેશિયાની 20,000ની નોટ ઉપર પણ ગણેશજીનું દ્વારા ત્યાંની ચિત્ર છે, જે 1998માં ઈન્ડોનેશિયા ચલણી નોટમાં મૂકાયો હતો. વિશ્વની આ એકમાત્ર ચલણી નોટ છે, જેમાં ગણેશજી બિરાજમાન છે. આ ઉપરથી સમજી શકાય કે અહીંની સંસ્કૃતિમાં ગણેશજીનું કેવું મહત્ત્વ છે! અહીં તેમને જ્ઞાન અને કલાના દેવતા માનવામાં આવે છે.
ઓ મારા પ્રિય 'ફ્રા ફિકાનેત’
થાઈલેન્ડમાં, ગણેશજીને 'ફ્રા ફિકાનેત’ તરીકે ઓળખવામાં આવે છે. તેમને કલા, શિક્ષણ અને વેપારના દેવતા માનવામાં આવે છે. થાઈલેન્ડમાં મુખ્ય ધર્મ બૌદ્ધ છે, છતાં અહીં ગણેશજી એવા દેવ રૂપે પૂજાય છે જે લોકોનાં વિઘ્નો દૂર કરે છે, તેમને સફળ થવાનો માર્ગ દેખાડે છે.
દુનિયાની સૌથી ઊંચી ગણેશજીની મૂર્તિ થાઈલેન્ડના પ્લૉન્ગ બ્વેન શહેરના ગણેશ ઈન્ટરનેશનલ પાર્કમાં છે. 128 ફૂટ ઊંચી ગણેશજીની પ્રતિમા ઉપરના જમણા હાથમાં કટહલ (ફણસ) છે, જે સમૃદ્ધિનું પ્રતીક છે. ઉપરના ડાબા હાથમાં શેરડી છે, જે મીઠાસ અને ખુશીનું પ્રતીક ગણાય છે. તો નીચેના જમણા હાથમાં કેળું છે, જે પોષણનું પ્રતીક છે. નીચેના ડાબા હાથમાં કેરી છે, અને તે દૈવીય શાણપણ અને બુદ્ધિ સાથે જોડાયેલું ફળ ગણાય છે. થાઈલેન્ડમાં માનવામાં આવે છે કે આ મૂર્તિ સ્થાનિક જીવનશૈલી અને અર્થતંત્ર સાથે સુમેળભર્યા એકીકરણનું અને દિવ્ય આશીર્વાદનું પ્રતીક છે.
સાર્વભૌમિક પ્રતીક
1769-1859ની વચ્ચે રહેતા યુરોપિયન માનવશાસ્ત્રી એલેકઝાન્ડર વૉન હમ્બોલ્ટ પ્રારંભિક અમેરિકન સભ્યતાના એશિયન મૂળ વિશે અનુમાન લગાવનારા પહેલા વ્યક્તિ હતા. 150થી વધુ વર્ષ પહેલાં તેઓ લખી ગયેલા કે મેક્સિકન લોકો જે માનવ આકૃતિની પૂજા કરતા, તેનું માથું હાથી જેવું હતું. એમ તો બલ્ગેરિયા, કમ્બોડિયા અને વિયેતનામમાંથી પણ ગણેશજીની પ્રાચીન મૂર્તિઓ મળી આવેલી.
વિવિધ સંસ્કૃતિમાં કેમ?
પ્રાચીન સમયમાં ભારતીય વેપારીઓ તેમની સાથે તેમની ધાર્મિક આસ્થા પણ લઈ ગયા. એ સમયે ભારતમાંથી વેપાર, યાત્રા તેમજ આધ્યાત્મિક આદાન-પ્રદાન થતું રહ્યું. વેપારીઓ દરિયાઈ માર્ગેથી દક્ષિણ-પૂર્વ એશિયા, ચીન, જાપાન સુધી ગયા અને સાથે ગણેશજીની મૂર્તિઓ તેમજ તેમની પૂજા કરવાની રીત પણ લઈ ગયા. ધીમે ધીમે સ્થાનિક સંસ્કૃતિમાં ગણેશજીની બોલબાલા વધતી ગઈ. વિઘ્નો દૂર કરનારા દેવ રૂપે, વ્યાપારિક યાત્રામાં સફળ થવા માટે ગણેશજીની પૂજા કરતા હતા. દેશ હોય કે વિદેશ ગણેશજી વિઘ્નહર્તા રૂપે પૂજાવા લાગ્યા, કારણ કે સંસ્કૃતિ ભારતની હોય કે વિદેશની દરેક વ્યક્તિ પોતાનાં જીવનમાં આવતી અડચણો દૂર કરીને સફળ થવા માગે છે.
દરેક સંસ્કૃતિનાં લોકો એવા દેવ કે પ્રતીકની શોધ કરે છે જે સફળતા, સૌભાગ્ય અને જ્ઞાન આપે. આમ, ગણેશજીનું આ સ્વરૂપ (મોટું માથું: જ્ઞાન, મોટા કાનઃ સાંભળવાની શક્તિ, નાનું મોંઢુંઃ ઓછું બોલવા, મોટું પેટઃ સહનશીલતાનું) કોઈ પણ સંસ્કૃતિ માટે સ્વીકાર્ય અને પ્રેરણાદાયી પ્રતીક બન્યું. --
0 Comments